07 March 2012

પન્નાલાલ પટેલ

 
પન્નાલાલ નાનાલાલ પટેલ
 
સાહિત્ય સર્જન
  નવલકથા - માનવીની ભવાઈ,  મળેલા જીવ,વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ  
                નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, 
                             રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ,  
                             કચ-દેવયાનિ,  આંધી અષાઢની,
                              નવલિકા -  સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ,
                         નાટક -     જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન,
                         ચિંતન -    પૂર્ણયોગનું આચમન
               આત્મકથા - અલપઝલપ
                 બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
                             પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

સંદર્ભ - 'આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન

સવિશેષ પરિચય
પટેલ પન્નાલાલ નાનાલાલ (૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯) : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મસ્થળ અને વતન રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર - રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ. ૧૯૫૮ થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનનો મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ. ૧૯૮૫ ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.

માનવીની ભવાઈ (૧૯૪૭)   
પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે. આ યાતનાને ગ્રામવાસીઓની બૃહદ્ યાતનાના સંદર્ભમાં અહીં તોળેલી છે. હૈયાની અને પેટની ભૂંડી ભૂખને અનેક સ્તરે ઉઘાડતી આ નવલકથાને ત્રણ ભાગમાં વહેંચી શકાય:કુલ સાડત્રીસ પ્રકરણો પૈકી પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને માલી ડોશીને કારણે તૂટતો વિવાહ, એમનાં અન્યત્ર થતાં લગ્ન વગેરેને વર્ણવે છે; પછઈના દશ પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલા પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઈર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલાં પ્રકરણો ભયંકર દુકાળ, ગ્રામજનો માટેનો કાળુનો સંઘર્ષ, નજીકના નગરમાં સ્થળાંતર, મૂલ્યનાશની અને વેઠની જિંદગી અને અંતે પાંદડાંવિહોણા વડ નીચે, પહેલી ઝડી વચ્ચે કાળુરાજુનું ઉત્કટ મિલન વગેરેને નિરૂપે છે. ભૂખી ભુતાવળજેવા પ્રકરણમાં પન્નાલાલનું આલેખન મહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે. બાવાની લંગોટી અંગેની લોકવાર્તા, લોકગીતો અને લગ્નગીતોનો સંદર્ભ, દિવાળીટાણે ગાય રમાડવાનો ચાલ, ઋતુઋતુનાં બદલાતાં દ્રશ્યો, ‘પરથમીનો પોઠીતરીકે ચીતરાયેલો ખેડૂત-આ સર્વ પ્રાદેશિક લોકસંપત્તિનો અહીં સર્જનાત્મક વિનિયોગ છે. ક્યારેક તળપદી બોલી વચ્ચે પ્રવેશતા મોંભરા સંસ્કૃત શબ્દો તેમ જ રાજુની સરખામણીમાં ક્યારેક અલ્પાંશે પ્રાકૃત બનતું કાળુનું પાત્ર કઠે છે, છતાં ગુજરાતી ભાષાનો અને પન્નાલાલની પ્રતિભાનો આ ઉત્તમ ઉન્મેષ છે. ( -ચંદ્રકાન્ત ટોપીવાળા)

0 comments:

Post a Comment