બાલમુકુન્દ દવે
બાલમુકુન્દ મણિશંકર દવે (૭-૩-૧૯૧૬) : જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. પ્રાથમિક
અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને
વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું
સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી
બજાવી. ‘નવજીવન’ માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ હાલ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કરે છે. ૧૯૪૯માં કુમારચન્દ્રક.
બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન -આ બધાંએ એમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે; તો એમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમ જ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળો આપ્યો છે. એમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ (૧૯૫૫)માં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનાં કાવ્યો-ગીતો છે. પદ્યરૂપોની જેમ એમાં કાવ્યસ્વરૂપોનું પણ વૈવિધ્ય છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને નિવ્યૉજ મનોહારિતા અર્પે છે. સૌંદર્યલક્ષિતા અને સૌંદર્યબોધ એ કવિધર્મનું આ કવિએ યથાર્થ પરિપાલન કર્યું છે. ‘સહવાસ’ (૧૯૭૬)માં એમનાં કાવ્યોનું વેણીભાઈ પુરોહિતનાં કાવ્યો સાથે સુરેશ દલાલ સંપાદન કર્યું છે. એમના બાળકાવ્યોના ત્રણ સંગ્રહો ‘સોનચંપો’ (૧૯૫૯), ‘અલ્લક દલ્લક’ (૧૯૬૫) અને ‘ઝરમરિયાં’ (૧૯૭૩) પ્રગટ થયા છે. આ ઉપરાંત એમણે પ્રૌઢશિક્ષણ માટે ‘ઘટમાં ગંગા’ (૧૯૬૬) નામે વ્યક્તિચિત્રોની એક પુસ્તિકા લખી છે. (- હેમન્ત દેસાઈ)
પરિક્રમા (૧૯૫૫)
બાલમુકુન્દ દવેનો, ૧૯૩૮ થી ૧૯૫૫ સુધીના ગાળાની ૧૦૩ કાવ્યકૃતિઓનો
સંગ્રહ. ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊર્મિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યક્તિથી દીપ્ત કાવ્યોનો
આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે.
0 comments:
Post a Comment