07 March 2012

ગંગાસતી


જન્મ – ઈ.સ.૧૮૪૬
અવસાન – ઈ.સ. ૧૮૯૪ 

ગંગાસતીના જાણીતા પદો
  •      ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ’
  •  ‘મેરુ રે ડગે પણ જેના મન નો ડગે’
  •  ‘શીલવંત સાધુને વારે વારે નમીએ’
  •    ‘ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું’
  •   પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ’
                         ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે 35 કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. 1846માં થયો હતો એવું અનુમાન છે. તેમના પિતાનું નામ શ્રી ભાઈજી ભાઈ જેસાજી સરવૈયા હતું. માતાનું નામ રૂપાળી બા હતું અને પિતા રાજપૂત ગિરાસદાર હતા. નાનપણમાં તેમને કવચિત હીરાબા નામથી પણ ઓળખવામાં આવતા.
                    ગંગાબાના લગ્ન સમળીયાના ગિરાસદાર શ્રી કહળસંગ કાલુભા ગોહિલ સાથે ઈ.સ. 1864 માં થયાં હતાં. તે કાળની રાજપૂત ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબા સાથે પાનબાઈ નામની ખવાસ કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી. પાનબાઈ, ગંગાસતીની માત્ર વડારણ નથી પણ અધ્યાત્મપંથની સહયાત્રી પણ છે. બંન્ને ધર્મપરાયણ હતા અને બન્ને ઉમરે લગભગ સરખાં હતાં. જેમ મહારાષ્ટ્રમાં એકનાથને ઘેર જનાબાઈ હતાં તેમ ભક્ત કહળસંગ અને ગંગાસતીના ઘેર પાનબાઈ હતાં. ગંગામાં ભળનાર દરેક નદી ગંગા બની જાય છે. પાનબાઈ પણ ગંગામાં ભળી ગંગામય બની ગયાં.
                 ગૃહસ્થજીવન અને અધ્યાત્મજીવનનો સુમેળ તે સંત પરંપરાનું એક આગવું લક્ષણ છે. ભકત કહળસંગ અને ગંગાબાના જીવનમાં આ બન્ને પ્રવાહો વચ્ચે સુમેળ જોવા મળે છે. ફૂલ ખીલે અને સુગંધ ફેલાય નહિ તેવું તો બને જ નહિ. તેમ સંતના જીવનમાં ભક્તિરસ પ્રગટે એટલે તેની સુગંધ પણ ફેલાય જ. ભક્ત કહળસંગ અને ગંગાબા વિશે પણ આમ જ બન્યું. તેમના અધ્યાત્મ જીવનની સુવાસ ચારે બાજુ ફેલાવા માંડી. ફૂલ ખીલે અને મધમાખીઓ આવવા માંડે તેમ આ ભક્ત દંપતીના દર્શન અને સત્સંગ માટે તેમની પાસે અનેક સંતો, ભક્તો, ગૃહસ્થો, જિજ્ઞાસુઓ અને દીનદુ:ખીયા આવવા માંડ્યાં.
              કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો પાનબાઈને ઉદ્દેશીને ગવાયા. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં બાવન ભજનોની રચના થઈ.

0 comments:

Post a Comment