31 March 2012

આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે



આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે
એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે
તે છતાં પણ લખું તે કવિતા હશે
તું જશે એમ લય તાલ ચાલ્યા જશે
ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે
ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે
                                   -ભરત વિંઝુડા

સાવ અધવચ્ચેથી ચીરે છે મને,



સાવ અધવચ્ચેથી ચીરે છે મને,
મારો પડછાયો જ પીડે છે મને.
બેસવા જાઉં ને બટકી જાઉં છું,
તર્ક કેવી ડાળ ચીંધે છે મને.
હું શિખાતો જાઉં છું અનપઢ વડે,
કોઈ અનપઢ જેમ શિખે છે મને.
સોય ભોંકાતી રહી મારી ભીતર,
વસ્ત્ર માફક કોઈ સીવે છે મને.
હું તો કેવળ વૃક્ષ છું, સંયોગવશ,
લાગણીના ફૂલ ખીલે છે મને.
                          - ભરત ભટ્ટ તરલ

રમેશ પારેખની યાદમાં…



રમેશ પારેખની યાદમાં… 
તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ
વરસ્યોતો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.
                                               -આદિલ મન્સૂરી

શરત મુશ્કેલ છે,


હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.
માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.
ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.
કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.
                                                 - હરીશ ઠક્કર

માણસ જેવો માણસ છું.



કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.
આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.
આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.
ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.
ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.
                                              -ભગવતીકુમાર શર્મા

યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?



યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?
ભરચોમાસે બારી પાસે બેસી રહીને,
ચાર ભીંતોની વચ્ચે બળવું, ક્યાં સહેલું છે?
વરસો પહેલાં ગણગણતી એ ગીત, હવે તો-
તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે?
તેં દીધેલાં પત્રો મારી પાસે છે, પણ;
રોજે રોજ એ વાંચન કરવું, ક્યાં સહેલું છે?
કોઈ નદીની જેમ તું, અહીંથી ચાલી ગઈ છે,
કાંઠે બેસીને ટળવળવું, ક્યાં સહેલું છે?
આંખોમાં રંગ આવશે, તારી મહેંદી જેવો,
નસીબ સહુનું, સૌને ફળવું, ક્યાં સહેલું છે?
તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને,
અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે?
                                     -રાજેશ મહેતા રાજ

આકાશ દયાળુ છે


આકાશ દયાળુ છે 
નહીંતર 
આપણે માટે 
ધગધગતો સૂરજ, 
કાતિલ ઠંડકથી 
દઝાડતો ચંદ્ર 
છાતીએ ચાંપે ? 
વરસાદ માટે 
છાતીમાં કાણાં શું કામ પાડે ? 
અને આપણી 
આડોડાઈ તો જુઓ: 
આપણાં પર પડતાં 
તમામ દુઃખોનો દેનારો ક્યાં ? 
એમ પુછાય ત્યારે 
આપણે આંગળી તો 
આકાશ સામે જ ચીંધીએ છીએ. 
                             ચિનુ મોદી

અહીંયાં ફર્યું જે રીતથી



અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.

આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો,
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે.

બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે.

મારા વિના હું એકલો ટોળે વળી ગયો,
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?
                                        -અંકિત ત્રિવેદી

આપી આપીને તમે પીંછું આપો



આપી આપીને તમે પીંછું આપો
       
સજન ! પાંખો આપો તો અમે આવીએ
ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
       
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
       
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
આપી આપી ને તમે ટેકો આપો
       
સજન ! નાતો આપો તો અમે આવીએ
કાગળની કાળઝાળ રેતી વિંઝાય
       
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
       
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપી ને તમે આંસું આપો
       
સજન ! આંખો આપો તો અમે આવીએ
                                               - વિનોદ જોશી

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
                                     - હરીન્દ્ર દવે

સજનવા



શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા
ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા
બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા
ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા
નહીં તો મારી જેમ એને ઢળતા શિખવાડો સજનવા
સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા
આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા
થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધુ દેવું સજનવા
છે કશિશ કંઈ એવી આ કાયા કસુંબલમાં સજનવા
કે જાન સામેથી લુંટાવા ચાલી ચંબલમાં સજનવા
આજ કંઇ એવી કુશળતાથી રમો બાજી સજનવા
જીતનારા સંગ હારેલા યે હો રાજી સજનવા
ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા
                                                     - મુકુલ ચોક્સી

ટોળાંની શૂન્યતા છું

ટોળાંની શૂન્યતા છું
ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.
સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
                                            - જવાહર બક્ષી

કિનારાઓ અલગ રહીને

કિનારાઓ અલગ રહીને 
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ -
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.
રઈશઆ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
                                          - રઈશ મનીઆર

28 March 2012

Motivation 28 march


ગુજરાતી સેમિનાર


મારા પુસ્તક 'કૂંપળ ફૂટી આભને' ની ત્રીજી આવૃત્તિ અને ધોરણ ૮ થી ૧૨ ના ગુજરાતી વિષયના દ્રશ્ય -શ્રાવ્ય પ્રોજેક્ટની CD/DVD ના વિમોચન પ્રસંગની તસ્વીર ...
આ સેમિનારમાં  સુરત જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.એસ.પટેલ સાહેબ અને પ્રબુદ્ધ શિક્ષણવિદ શ્રી શશીકાંત શાહ સાહેબ અને શહેરની શાળાઓના ભાષા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા..































ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં



~ ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ~
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ.
                                                                              - રમેશ પારેખ  
નોંધ :- રમેશ પારેખ વિશે વધુ જાણવા લીંક ઉપર ક્લિક કરો.  http://www.rameshparekh.in/poems.html