30 August 2012

ગાંધીજી


મારું જીવન એજ મારી વાણી....
                                                                          - મોહનદાસ ગાંધી 


27 August 2012

શિવાજીનું હાલરડું

લોકસાહિત્યના ઉમદા સર્જક અને 'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણીની 
અમર ગીત રચના " શિવાજીનું હાલરડું " 


24 August 2012

રામ તમે સીતાજીની તોલે ન આવો


રામ તમે સીતાજીની તોલે ન આવો

દયાના સાગર થૈને, કૃપા રે નિધાન થૈને, છો ને ભગવાન કહેવડાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદનથી છો પૂજાઓ,
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઇ જેને, વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ પત્નીને પારખતાં ન આવડી, છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ;
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

તમથીયે પહેલા અશોક વનમાં, સીતાજીએ રાવણને હરાવ્યો,
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે, દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂંટ્યો લ્હાવો;
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
      
-અવિનાશ વ્યાસ

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર


બે ફૂલ ચઢાવે મૂર્તિ પર

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

કૃષ્ણની પાસે જવું હોય તો, થવું પડે સુદામા.
 ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

સાચું છે એ સચરાચર છે, સાચું છે એ અજરામર છે,

સાચું છે એ પરમેશ્વર છે.
પણ ચોધારે વરસે મેહુલિયો તો, મળે એક ટીપામાં..
 ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

રામનું સ્વાગત કરતા ઋષીઓ જાપ જપંતા રહી ગયા,
એઠાં બોરને અમર કરીને રામ શબરીના થઈ ગયા
નહી મળે ચાંદી સોનાના અઢળક સિક્કામાં,

               નહી મળે કાશીમાં કે મક્કામાં,
પણ નસીબ હોય તો મળી જાય તુલસીના પત્તામાં
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

- અવિનાશ વ્યાસ

ચાલ આકાશમાં ઊડીને આવીએ


આવીએ


ચાલ આકાશમાં ઊડીને આવીએ,
એક તારાને તો ચૂમીને આવીએ.


જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે,
દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ.


કેમ નડતર થયું ચાંદને મારગે,
એ ગ્રહણને જરા પૂછીને આવીએ.


ભોંય ભેગાં થયા આપણાં સ્વપ્ન સૌ,
લાગણીના બળે ઊઠીને આવીએ.


રોજની આ તડપ, ને વ્યથાની કથા,
થાય છે, આ બધું ભૂલીને આવીએ.


                           -સુનીલ શાહ

ચોમાસુ બેઠું


ચોમાસુ બેઠું
પથરા આધા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
છત્રી પન ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીય વાળા ક્યે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈં આપે? પણ -
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઇ રીતે ભીંજાવુ એનું લાબું લાબું ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા રે
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

                                                          - કૃષ્ણ દવે

વ્હાલ વાવી જોઈએ


વ્હાલ વાવી જોઈએ

ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

                                -ગૌરાંગ ઠાકર

21 August 2012

પારિતોષિક પહેલાં પતરાં


મારું પ્રથમ પુસ્તક  "કૂંપળ ફૂટી આભને" ૨૦૧૧ માં પ્રકાશિત થયું. આ પુસ્તકમાં માનવ હૃદયમાં સંવેદના જગાડે અને માણસની શ્રધ્ધામાં સંવર્ધન કરે એવા લાગણીશીલ પ્રસંગોનું સંકલન કરેલું છે. અને વાચકોને એ એટલું બધું સ્પર્શી ગયું છે કે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ પુસ્તકની  ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઇ છે. વાચકોએ વખાણેલા આ પુસ્તકના કેટલાક પ્રસંગો અહીં મુક્યા છે...જે આપને ચોક્કસ ગમશે જ એવી આશા સાથે......ભરત મકવાણા

આ પુસ્તકના બીજા પ્રસંગો ગેલેરી ફોલ્ડરમાંથી વાંચી શકો છો...



19 August 2012

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી


મારી કોઈ ડાળખીમાં

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !


પંખી સહિત હવા ચાતરીને જાય

એવું અષાઢી દિવસોમાં લાગે,


આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.


માળામાં ગોઠવેલી સળી હું નથી

મને વીજળીની બીક ના બતાવો !



એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય

કોઈ રાતી કીડીનોય ભાર !


એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?


હું બરફમાં ગોઠવેલું પાણી નથી

મને સૂરજની બીક ના બતાવો 


રચના  - અનીલ જોષી

સ્વર - મનહર ઉધાસ 

આઈસક્રીમ કેટલાનો?


મારું પ્રથમ પુસ્તક  "કૂંપળ ફૂટી આભને" ૨૦૧૧ માં પ્રકાશિત થયું. આ પુસ્તકમાં માનવ હૃદયમાં સંવેદના જગાડે અને માણસની શ્રધ્ધામાં સંવર્ધન કરે એવા લાગણીશીલ પ્રસંગોનું સંકલન કરેલું છે. અને વાચકોને એ એટલું બધું સ્પર્શી ગયું છે કે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ પુસ્તકની  ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઇ છે. વાચકોએ વખાણેલા આ પુસ્તકના કેટલાક પ્રસંગો અહીં મુક્યા છે...જે આપને ચોક્કસ ગમશે જ એવી આશા સાથે......ભરત મકવાણા

આ પુસ્તકના બીજા પ્રસંગો ગેલેરી ફોલ્ડરમાંથી વાંચી શકો છો...


18 August 2012

આજે અહીં જુઓ છો



આજે અહીં જુઓ છો


આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્ર્વર નવા નવા.


તારા વિશેનો પ્રશ્ર્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.


તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.


તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.


મૃત્યુને રાઝઅંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.
 

                                        ‘રાઝનવસારવી

ઓલ્યું… હિન્દીમાં કે’ છે



ઓલ્યું… હિન્દીમાં કે’ છે


ઓલ્યુંહિન્દીમાં કેછે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?


એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?


હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?


સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.


ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.


                                                          - અનિલ ચાવડા

તડકાના ત્રાટકમાં જીવ્યા



તડકાના ત્રાટકમાં જીવ્યા


તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.


આંખ, હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,

મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.


આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?

તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!


જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,

ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.


સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,

શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!


                                                   - કિરણસિંહ ચૌહાણ

ના મળે અધિકાર



ના મળે અધિકાર 

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

                                - કિરણસિંહ ચૌહાણ

અહીં તો ભલભલા આવી ગયા



અહીં તો ભલભલા આવી ગયા


અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શકયું દરિયો ઉઠાવીને.


હજી થોડાંક દેવાલય બનાવી દો, શો વાંધો છે?
કે જેથી સૌ અહીં જીવ્યા કરે માથું નમાવીને!


હજી ઈશ્વરને પામી ના શકયાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊચે બતાવીને.


ઘણાં આઘાત,આંસુ,દર્દની વરચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.


કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.!!!


                                          - કિરણસિહ ચૌહાણ

આંખ સામે જ

મારું પ્રથમ પુસ્તક  "કૂંપળ ફૂટી આભને" ૨૦૧૧ માં પ્રકાશિત થયું. આ પુસ્તકમાં માનવ હૃદયમાં સંવેદના જગાડે અને માણસની શ્રધ્ધામાં સંવર્ધન કરે એવા લાગણીશીલ પ્રસંગોનું સંકલન કરેલું છે. અને વાચકોને એ એટલું બધું સ્પર્શી ગયું છે કે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ પુસ્તકની  ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઇ છે. વાચકોએ વખાણેલા આ પુસ્તકના કેટલાક પ્રસંગો અહીં મુક્યા છે...જે આપને ચોક્કસ ગમશે જ એવી આશા સાથે......ભરત મકવાણા

આ પુસ્તકના બીજા પ્રસંગો ગેલેરી ફોલ્ડરમાંથી વાંચી શકો છો...




16 August 2012

ગરીબ વિદ્યાર્થીની ભગવાનને ફરિયાદ..


ગરીબ વિદ્યાર્થીની ભગવાનને ફરિયાદ..
હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે અને નિશાળની ઉપર છાપરું એ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ? તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી? તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી? તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો ય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ? મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું ય મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું? શક્ય હોય તો ભગવાન આ પાંચેય સવાલોના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે, ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન તો આખીય જીંદગી હું ભણી શકું વિચારીને કેજે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે ઘણાયને પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહી મોકલે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે. પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ. જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ. લી. એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા એક ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્