30 November 2013

નદી જેવી નદીને દીકરી થઇ ભમવું પડે છે..- -- ખોડલ પુમ્ભાડીયા


 દીકરી થઇ ભમવું પડે છે..

નદી જેવી નદીને દીકરી થઇ ભમવું પડે છે..

બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે..



પ્રસંગો અનેક આવે હસવા ખેલવા કાજે તો,
વ્યસક પિતાનેં હસતા રહીને રડવું પડે છે..



સ્વચ્છ આકાશ અનેક તારલીયાથી ટમેટમે
ત્યારે કેમ એક સિતારાને આથમવું પડે છે



વાનપ્રસ્થ પિતાને તો કદી માં યાદ આવે
દિકરી થૈ દાદી જેમ પિતાને મળવું પડે છે



ઉગી નીકળે અંસખ્ય ફૂલો પરિવારની ડાળે
દિકરી નામનાં પુષ્પને બપોરે ખરવું પડે છે



જિંદગીભરનો ખાલિપો દીકરીનાં નામે બોલે
ને કઠણ કાળજાના ભડને ડુસકું ભરવું પડે છે



જગમાં બધા માંનાં ગુણગાન ગાતા રહે ને
માં થવાં માટે દીકરી બની જનમવું પડે છે....



-- ખોડલ પુમ્ભાડીયા

વૃક્ષ પડે છે ત્યારે - - ઉર્વિશ વસાવડા


વૃક્ષ પડે છે ત્યારે

શું વીતે છે આભ, ધરા પર, વૃક્ષ પડે છે ત્યારે
વ્યાકુળ થઇ જાતું સચરાચર, વૃક્ષ પડે છે ત્યારે

ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ
રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે

થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના
માણસ હો કે હો એ પથ્થર, વુક્ષ પડે છે ત્યારે

એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં
હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે


- ઉર્વિશ વસાવડા

ચાલ ઝાડની ખબર કાઢવા - - મુકેશ જોષી


ચાલ ઝાડની ખબર કાઢવા

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપીતી
એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક ?
તરણાઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

- મુકેશ જોષી

એમાં ખોટું શું છે? - - હિતેન આંનદપરા


એમાં ખોટું શું છે?

એક કુંપળ જો ફૂલ બને તો બોલો એમાં ખોટું શું છે?,
પીળું ઝરઝર પાન ખરે તો બોલો એમાં ખોટું શું છે?

મંદિરમાં ઈશ્વરની સામે શ્રદ્ધાથી બે હાથને જોડી,
પ્રિયતમાનું ધ્યાન ધરે તો બોલો એમાં ખોટું શું છે?

ભારે હૈયે સૌને છોડી જીદમાં જે ચાલી નીકળ્યો છે,
ઝાંપેથી જો પાછો ફરે તો બોલો એમાં ખોટું શું છે?

શૈશવમાં સાથે ઉછરેલાં બે જણ ફરી મળ્યા છે,
ખુબ હસી એ રડી પડે તો બોલો એમાં ખોટું શું છે?
- હિતેન આંનદપરા


અંદર હશે જે સૃષ્ટિ એ જ આસપાસ મળશે - - રઈશ મનીઆર


 મળશે

અંદર હશે જે સૃષ્ટિ એ જ આસપાસ મળશે
દૃષ્ટિમાં હો ન દીવો, ક્યાંથી ઉજાસ મળશે? 

લિસ્સો હશે જો રસ્તો, મોહક પ્રવાસ મળશે 
છોડી શકો જો ડામર, તો લીલું ઘાસ મળશે

ખુદ ચન્દ્ર છો, જશો તો અમને અમાસ મળશે 
પણ તમને ક્યાંથી એનો, ક્યારેય ક્યાસ મળશે

ગઝલોમાં હું કુછંદે, આ જિંદગી અછાન્દસ
મનમાં હતું કે એના ને મારા પ્રાસ મળશે 

જીવન ખરીદવું છે? મળશે બજારભાવે
બે નાખશો નિસાસા તો એક શ્વાસ મળશે

પળની ખુશીને મૂકો જો ક્યાંક અવળે હાથે 
બે પળ પછી જડે તો એ પણ ઉદાસ મળશે

હા, રામ, શ્યામ મળશે ભાવકને, હે વિવેચક!
તુજને તો વાલ્મિકી કે બસ વેદ વ્યાસ મળશે.

- રઈશ મનીઆર

બારી ઉઘાડ દોસ્ત - - ગૌરાંગ ઠાકર


બારી ઉઘાડ દોસ્ત.

અજવાશ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત,
અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત.

આપી જશે હવા તને ખુદની વિશાળતા,
ફૂલોની મ્હેંક આપશે, બારી ઉઘાડ દોસ્ત.

તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.

વરસાદ,વાદળા,હવા,સૂરજ ને પર્વતો,
બોલાવતા તને કશે, બારી ઉઘાડ દોસ્ત.

કેડીથી ધોરી માર્ગની તું થઇ જશે સડક,
માણસનો રાહબર થશે, બારી ઉઘાડ દોસ્ત.

- ગૌરાંગ ઠાકર