27 January 2013

દાદા હો દીકરી - લોકગીત


દાદા હો દીકરી
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે રે પરોઢીએ પાણી મોકલે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દિ કૂવા કાંઠડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે , કહેજો દાદાને રે , મારી માડીને નવ કહેજો રે સૈ
મારી માડી બિચારી આંશુ સારશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

0 comments:

Post a Comment