ચૂંટણી ના ચાબખા
હાલો પથ્થારી ફેરવીએ દેશની
તમને જરૂર છે ટેકાની ભાઈ મારા,
અમને જરૂર છે કેશની
હાલો પથ્થારી ફેરવીએ
દેશની .
છ મહિના હાલે તો
ગંગાજી નાહ્યા, આ વર્ષોની વાર્તાયું મેલો .
સાત પેઢી નિરાતે
બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો .
દોવા દે ત્યાં લગી જ
આરતીયું ઉતરે છે કાળી ડીબાંગ આ ભેસની .
હાલો પથ્થારી ફેરવીએ
દેશની
ફાઈલોના પારેવા ઘુ ઘુ
કરે છે હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો અમને
ક્યાં વાંધો છે ,આપણાં પચાસ ટકા રાખો .
ચૂલે બળેલ કંઈક
ડોશીયું નામ ઉપર આપી દયો એજન્સી ગેસની .
હાલો પથ્થારી ફેરવીએ
દેશની
દેકારા,પડકારા , હોબાળા ,રોજ રોજ વાગે છે નીતનવા ઢોલ
જેને જે સોંપાયો એવો
ને એવો અહી અદ્દલ ભજવે છે સૌ રોલ
નાટકની કંપનીયું ઈર્ષા
કરે છે હવે આપણે ત્યાં ભજવતા વેશની .
હાલો પથ્થારી ફેરવીએ
દેશની
- કૃષ્ણ દવે
0 comments:
Post a Comment