14 October 2012

કોક વાર રોયા હશે ઘનશ્યામ, - કિસન સોસા



કોક વાર રોયા હશે   ઘનશ્યામ

રાધાની છાતી પર ઝૂકીને, કોક વાર રોયા હશે   ઘનશ્યામ,
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે, પછી શ્યામલી જમનાનું નામ.


રાધાના સ્કંધ પર ઢાળીને શીશ, ક્હાન ટહુક્યા   હશે એવું વેણ,
ઓઢણીને દાંતમાં દાબીને, રાધાએ ઢાળી દીધા હશે નેણ.


સૌરભના મધપૂડા બંધાયા હશે, પછી વૃંદાવને   ફૂલ ફૂલમાં,
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં.


રાધાને કાંઠડે બેસીને, ક્હાનજી એ પીધાં હશે   મીઠા વાધૂ,
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ.


ક્હાનજીની છાતીએ ઘોળાયું હશે, પછી રાધાનું   કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

- કિસન સોસા




0 comments:

Post a Comment