01 October 2012

ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો – ગુણવંત શાહ


ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો ગુણવંત શાહ
આજની પરિસ્થિતિમાં ગાંધીજી લગભગ અપ્રસ્તુતબની જાય તેવી પ્રદૂષિત આબોહવા સમાજમાં જામી છે. ત્યારે કરીશું શું ? યુવાનોને કહેવું પડશે કે આજની ભ્રષ્ટ આબોહવામાં તો ગાંધીજી ખૂબ જ પ્રસ્તુત છે. તેઓ એમના સમયમાં જામી પડેલી ગુલામીની, ગરીબીની, શોષણની અને અભણતાની આબોહવામાં શું ઓછા પ્રસ્તુત હતા ? ગાંધીજીને અનુસરવા માટે સર્વસ્વના ત્યાગની કે બલિદાનની ઝાઝી જરૂર નથી. સાચું બોલવાનો ઢીલોપોચો આરંભ પણ માંહ્યલાને રાજી કરનારો ગણાય. જે યુવાન ન્યાયને પક્ષે ઊભો રહે અને પ્રામાણિકતા જાળવીને જીવવાનો નિશ્ચય કરે તે કંઈ બાવો બની જતો નથી. પ્રામાણિકતા જાળવીને જીવનારો ડૉક્ટર, વકીલ, વેપારી, શિક્ષક કે ખેડૂત બાવો બની જતો નથી. એક વાર સચ્ચાઈનો સ્વાદ ચાખવા મળે પછી જીવનના બીજા બધા સ્વાદ ફિક્કા પડી જાય એમ બને. એક વાર કોઈને માટે કશુંક ગુમાવવાના સ્વાદનો અનુભવ થાય પછી રીઢો સ્વાર્થ આપોઆપ ઢીલો પડી જાય છે. એક વાર પ્રામાણિકતા જાળવીને રળેલા રોટલાના સ્વાદનો પરચો મળે પછી હરામનાં ગુલાબજાંબુ કડવાં લાગે છે. માણસને કશુંક પ્રાપ્ત કરવાના સ્વાદનો પરિચય વારંવાર થતો હોય છે, પરંતુ કોઈને માટે ઘસાઈ છૂટવામાં મળતો સ્વાદ અપરિચિત રહી જાય છે. આવો સ્વાદ મળે તેમાં જ આપણો ખરો સ્વાર્થરહેલો છે. ગાંધીજીને યથાશક્તિ અને યથામતિ અનુસરવામાં આપણે અશાંતિ અને તાણ સિવાય બીજું કશું ગુમાવવાનું નથી. સૂર્યમાળામાં જે સ્થાન સૂર્યનું છે, તેવું જ સ્થાન માણસના જીવનમાં સત્યનું છે. આપણે સત્યવાદી હરિશ્ચંદ્ર ભલે ન થઈએ, પરંતુ એની દિશામાં ડગલાં માંડીએ તો લાભ જ લાભ છે. લાભ સાથે કેવળ દ્રવ્ય જોડાઈ જાય એ તો અધૂરા જીવનની નિશાની છે. જીવનમાં પદાર્થતાને સમાંતરે અપદાર્થતાનું પણ મહત્વ છે. યુવાનોને એક ખાસ વાત કહેવી છે. બધા ધર્મોનું મૂળ સત્યમાં સમાયેલું છે. સત્યની ઉપાસના જ્ઞાની, ભક્ત અને યોગી ઉપરાંત નાસ્તિક મનુષ્ય પણ કરી શકે છે. જૂઠું બોલવાનું, ખોટું કરવાનું અને જૂઠના ટેકામાં ઊભા રહેવાનું થોડેક અંશે ટળે તે ક્ષણથી ગાંધીજી આપણા જીવનમાં પ્રવેશે છે. ગાંધીજીની એક ખૂબી જાણી રાખવા જેવી છે. એક વાર જીવનમાં પ્રવેશ્યા પછી તેઓ આપણને સહેલાઈથી છોડી મૂકે એ શક્ય નથી. તેમનો જાદુ એવો કે આપણને એમનાથી છૂટવાનું મન પણ નહીં થાય. (સાભાર - રીડ ગુજરાતી.કોમ)
વધુ વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Post a Comment