કોઇ બાળકના ચહેરે મુસ્કાન ઊગે છે
કોઇ બાળકના ચહેરે મુસ્કાન ઊગે છે,
મને લાગે કે જાણે ભગવાન ઊગે છે!
મને લાગે કે જાણે ભગવાન ઊગે છે!
કોઇ માળામાં નાનકડું ગાન ઊગે છે,
મને લાગે કે જંગલને કાન ઊગે છે!
મને લાગે કે જંગલને કાન ઊગે છે!
મેં તો માન્યું જે મારું ખોવાઇ ગયું રે,
એ તો માટીના ખોળે સચવાઇ ગયું રે,
એ તો માટીના ખોળે સચવાઇ ગયું રે,
કોઇ હમણાં આવીને જરા ગાઇ ગયું રે,
મારું હોવું ના હોવું ભીંજાઇ ગયું રે,
મારું હોવું ના હોવું ભીંજાઇ ગયું રે,
કોઇ ધરતીનું લીલુંછમ ધ્યાન ઊગે છે,
મને લાગે મોંધેરા મહેમાન ઊગે છે!
મને લાગે મોંધેરા મહેમાન ઊગે છે!
મેં તો ટોચે જઇ દરવાજા ખોલી જોયા,
બે’ક આંસુ મળ્યાં તો એને તોલી જોયાં,
બે’ક આંસુ મળ્યાં તો એને તોલી જોયાં,
મારા હોઠે હરખાઇ એને ગીતો ગણ્યાં,
મેં તો તરણાંના કાનમાં એ બોલી જોયાં,
મેં તો તરણાંના કાનમાં એ બોલી જોયાં,
પછી પથ્થરમાં ખળખળ તોફાન ઊગે છે,
મને લાગે પર્વતનું સન્માન ઊગે છે!
મને લાગે પર્વતનું સન્માન ઊગે છે!
- કૃષ્ણ દવે
0 comments:
Post a Comment