04 November 2012

પગ તળેથી સામટો આધાર સરકી જાય છે

પગ તળેથી સામટો આધાર સરકી જાય છે
એ જ ક્ષણથી આપણો આ દેહ ઢગલો થાય છે

શોધ યુગોથી સતત જેની અહીં કરતા રહ્યા
છેવટે એ તત્વ પાછું ક્યાં જઈ સંતાય છે?

પુસ્તકો કે પંડિતો પણ જે ન સમજાવી શક્યાં,
એક પળમાં આખરે એ ફિલસૂફી સમજાય છે.

ઝંખીએ સઘળું અહીં ભૂલી જવાના શાપને,
તોય પાછી એક ઘટના એમ ક્યાં વિસરાય છે?

કેદ કરવાની મથામણ માણસો કરતા રહે,
શ્વાસનું પંખી કદી ક્યાં પિંજરે પુરાય છે?

આંખની સાથે જ સમજણ પણ જરૂરી હોય છે
આ શિલાલેખો અમસ્તા એમ ક્યાં વંચાય છે?
- નીતિન વડગામા 

0 comments:

Post a Comment