04 November 2012

પન્નીને પહતાય તો કે’ટો ની.

પન્નીને પહતાય તો કેટો ની.
વાહણ જો અથડાય તો કેટો ની.

અમના તો કેટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કેટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કેટો ની.

એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કેટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કેટો ની.

- ડો. રઇશ મનીઆર

પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?

પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?


આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.


અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો.


કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.


જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે પ્રેમનો,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો ?


જિગર જોષી પ્રેમ

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરનાં ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક એનો ભેદ પરખાતો નથી

એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,
આપણાથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછયા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મઝા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

ગૌરાંગ ઠાકર
(ગઝલ સંગ્રહ ‘‘વહાલ વાવી જોઇએ‘‘)

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,


બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્ર્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.


વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું.તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

-હિતેન આનંદપરા

ગણવું જ કાંઇ હોય તો થડકા ગણી બતાવ,


 ગણી બતાવ
ગણવું જ કાંઇ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્ર્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીના પગલાં ગણી બતાવ.


વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે....
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિન્તુ કેટલા પડદા ? ગણી બતાવ.

- હરિશ્ર્ચંદ્ર જોશી

વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો


વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.


અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો

જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો

ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો

પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો

તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.

- મનોજ ખંડેરિયા

પગ તળેથી સામટો આધાર સરકી જાય છે

પગ તળેથી સામટો આધાર સરકી જાય છે
એ જ ક્ષણથી આપણો આ દેહ ઢગલો થાય છે

શોધ યુગોથી સતત જેની અહીં કરતા રહ્યા
છેવટે એ તત્વ પાછું ક્યાં જઈ સંતાય છે?

પુસ્તકો કે પંડિતો પણ જે ન સમજાવી શક્યાં,
એક પળમાં આખરે એ ફિલસૂફી સમજાય છે.

ઝંખીએ સઘળું અહીં ભૂલી જવાના શાપને,
તોય પાછી એક ઘટના એમ ક્યાં વિસરાય છે?

કેદ કરવાની મથામણ માણસો કરતા રહે,
શ્વાસનું પંખી કદી ક્યાં પિંજરે પુરાય છે?

આંખની સાથે જ સમજણ પણ જરૂરી હોય છે
આ શિલાલેખો અમસ્તા એમ ક્યાં વંચાય છે?
- નીતિન વડગામા 

મને એજ સમજાતું નથી


      મને એજ  સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !


ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !


- કરસનદાસ માણેક

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,

તારી નજરમાં જ્યારે
તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,

મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો!

ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો!

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

- શ્યામ સાધુ

હું હાથને મારા ફેલાવું, તો



હું હાથને મારા ફેલાવું તો 

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?


આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીરને કશી ય જરૂર નથી.


-નાઝીર દેખૈયા