09 September 2012

વરસાદ પડે છે - મુકેશ જોષી

વરસાદ પડે છે
પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.
વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.
મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.
ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.
યાદ આવતાં ભીની ભીની અમે લખ્યોતો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.
                                                                        - મુકેશ જોષી

0 comments:

Post a Comment