26 September 2012

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં


ઉગાડે એમ કદી ઉગવાનું નહીં

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,

રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,

અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,

દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…
- કૃષ્ણ દવે

કોઈ સારો કડિયો મળે તો કહેજો

તમને કોઈ સારો કડિયો મળે તો કહેજો

તમને કોઈ સારો કડિયો મળે તો કહેજો

માનવથી માનવને જોડવાનો પુલ બનાવવો છે

નીકળતા આંસુ રોકવા ડેમ બંધાવવો છે

સાચ્ચા સંબંધમાં પડતી તિરાડને પુરાવવી  છે

અને વોટરપ્રૂફ સંબંધોનું ધાબું ભરાવવું છે.

25 September 2012

lead india

આપણી ઉજવણી બીજા કોઈ માટે નડતરરૂપ તો નથીને ?
જરા વિચારજો..


19 September 2012

જેક્સન બ્રાઉનની કલમે


13 September 2012

અહોભાગ્ય...


09 September 2012

આવો તોય સારું






પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં


આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો ને જાઓ તમે, ઘડી અહિં ઘડી તંઇ
યાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી
મોંઘું તમારા થી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

મિલન માં મજા શું, મજા ઝુરવા માં
બળીને શમાના પતંગો થવા માં
માને ન મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

ત્યારે સાલું લાગી આવે - મુકેશ જોશી

ત્યારે સાલું લાગી આવે

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.


સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર,દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ,સાવ જ ખાલી મ્યાન મળેને,ત્યારે સાલું લાગી આવે.

                                                                               - મુકેશ જોશી

અમને નહીં ફાવે - સુનીલ શાહ

અમને નહીં ફાવે

સમય સાથે સતત આગળ જવું અમને નહીં ફાવે,
અમે બિનધાસ્ત છીએ, દોડવું અમને નહીં ફાવે.

હજીયે ભીતરે ભીનાશ મારામાં યથાવત્ છે,
ન ઊગે, બીજ એવું રોપવું અમને નહીં ફાવે.


હશે મસ્તી ભરી જો રાત તો ઝૂમી લઇશું દોસ્ત,
લઇને જામ ખાલી નાચવું અમને નહીં ફાવે.

ભલે થોડી ક્ષણો ઝાકળની માફક બાથમાં લે કોઈ,
મિલનની પળ વિનાનું જીવવું અમને નહીં ફાવે.

અમે રાતોની રાતો પડખાં ઘસ્યાં છે, તમારા સમ..!
હવે એ કલ્પનામાં રાચવું અમને નહીં ફાવે.

તમે આ કાફલામાંથી અલગ થઈ જાવ તો કહી દઉં,
સતત ટોળું હશે ત્યાં બોલવું અમને નહીં ફાવે.
                                               
 - સુનીલ શાહ

વરસાદ પડે છે - મુકેશ જોષી

વરસાદ પડે છે
પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.
વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.
મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.
ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.
યાદ આવતાં ભીની ભીની અમે લખ્યોતો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.
                                                                        - મુકેશ જોષી

તુલસીની માળામાં શ્યામ છે


તુલસીની માળામાં શ્યામ છે

નહિ રે આવુંનહિ રે આવું ઘેર કામ છે, 
તુલસીની માળામાં શ્યામ છે

ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં, 
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે;
તુલસીની માળામાં શ્યામ છે;

આણી તીરે ગંગા પેલી તીરે જમુના, 
વચમાં ગોકુળિયું ગામ છે
તુલસીની માળામાં શ્યામ છે.

વૃંદા તે વનને મારગ જાતાં, 
રાધા ગોરી ને કાન શ્યામ છે
તુલસીની માળામાં શ્યામ છે.

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, 
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે;
વૃંદા તે વનને મારગ જાતાં, 

દાણ આપ્યાની ઘણી હામ છે

વૃંદા તે વનની કુંજ ગલીમાં, 
ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, 
ચરણકમળ સુખધામ છે