21 October 2013

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ - સૌમ્ય જોશી


ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ

આ સ્યોરી કહેવા આયો સું ને ઘાબાજરિયું લાયોસું. 
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી. 
કે તીજા ધોરણમાં તારો પાઠ આવેસે. 
હવે ભા ના પાડતાતા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ 
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે, 
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ, 
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા. 
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં, 
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો. 
મને કેઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને, 
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી. 
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું, 
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું! 
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો. 
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો. 
બાપડાન ભા, મારા ભા જેવા હશે, 
આ મારથી ચંદી ખોવાઈ ગઈતીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને 
બારી કરી આલીતી ઘરમાં 
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે, 
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા. 
વાંક એનો સી, 
હાડી હત્તરવાર ખરો, 
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં, 
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો, 
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત 
તો શું તું ભગવાન ના થાત? 
તારું તપ તૂટી જાત? 
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભઈ. 
ચલો એ ય જવા દો, 
તપ પતાઈને માત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો, 
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું? 
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા, 
મું ખાલી એટલું કહુંસું. 
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી, 
હખેથી ભણવા દે ન મારી સોડીને, 
આ હજાર દેરા સી તારા આરસના, 
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય, 
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ! 
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં, 
કે પેલો ગોવાળિયો આયોતો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે!!!
- સૌમ્ય જોશી.

0 comments:

Post a Comment