21 October 2013

જો આ ફૂલોને કોઈ ભાષા હોત - રેખા પટેલ


જો આ ફૂલોને કોઈ ભાષા હોત તો ,
તેની પાંદડીઓ ખરવાનું કારણ હોત
પવનને સરહદોનું બંધન હોત તો ,
એના વાયરાને પણ નાતજાત હોત
જો આ સુરજ ને માપતોલ હોત તો ,
ગરીબને આંગણ કાયમ અંધારું હોત
કાશ આંસુને કોઈ લીપી હોત તો ,
એક એક ટીપાની અલગ કહાની હોત
આ માનવ મનને બેરોમીટર હોત તો,
લાગણીઓ વાંચવા સખી સમર્થ હોત
રેખા પટેલ

ભગવાનનો ભાગ - રમેશ પારેખ

  ભગવાનનો ભાગ
નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કોકની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
આ ભાગ ટીંકુનો.
આ ભાગ દીપુનો.
-
આ ભાગ ભનિયાનો, કનિયાનો
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
આ ભાગ ભગવાનનો !
સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.
ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.
પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?
રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?
સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું
અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ
મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.
વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.
તેણે પૂછ્યું : કેટલા વરસનો થયો તું
પચાસનોહું બોલ્યો
અચ્છા…’ ભગવાન બોલ્યા : ૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં
હવે લાવ મારો ભાગ !
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.
હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો

- રમેશ પારેખ

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર - સૌમ્ય જોશી

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.
હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.
કેછે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?
થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?
એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

-સૌમ્ય જોશી

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ - સૌમ્ય જોશી


ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ

આ સ્યોરી કહેવા આયો સું ને ઘાબાજરિયું લાયોસું. 
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી. 
કે તીજા ધોરણમાં તારો પાઠ આવેસે. 
હવે ભા ના પાડતાતા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ 
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે, 
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ, 
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા. 
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં, 
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો. 
મને કેઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને, 
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી. 
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું, 
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું! 
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો. 
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો. 
બાપડાન ભા, મારા ભા જેવા હશે, 
આ મારથી ચંદી ખોવાઈ ગઈતીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને 
બારી કરી આલીતી ઘરમાં 
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે, 
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા. 
વાંક એનો સી, 
હાડી હત્તરવાર ખરો, 
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં, 
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો, 
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત 
તો શું તું ભગવાન ના થાત? 
તારું તપ તૂટી જાત? 
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભઈ. 
ચલો એ ય જવા દો, 
તપ પતાઈને માત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો, 
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું? 
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા, 
મું ખાલી એટલું કહુંસું. 
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી, 
હખેથી ભણવા દે ન મારી સોડીને, 
આ હજાર દેરા સી તારા આરસના, 
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય, 
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ! 
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં, 
કે પેલો ગોવાળિયો આયોતો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે!!!
- સૌમ્ય જોશી.

04 October 2013

હે ઈશ્વર મારી પાસે પુરતું છે